દત્ત બાવની
જય યોગીશ્વર દત્ત દયાળ, તું જ એક જગમાં પ્રતિપાળ;
અત્ર્યનસૂયા કરી નિમિત્ત, પ્રગટ્યો જગકારણ નિશ્ચિત.
બ્રહ્મા હરિહરનો અવતાર, શરણાગતનો તારણહાર;
અંતર્યામી સત્ ચિત્ સુખ, બહાર સદગુરુ દ્વિભૂજ સુમુખ.
ઝોળી અન્નપૂર્ણા કરમાંહ્ય, શાંતિ કમંડલ કર સોહાય;
ક્યાંય ચતુર્ભૂજ ષડ્ભૂજ સાર, અનંતબાહુ તું નિર્ધાર.
આવ્યો શરણે બાળ અજાણ, ઊઠ દિગંબર, ચાલ્યા પ્રાણ;
સુણી અર્જુન કેરો સાદ, રીઝ્યો પૂર્વે તું સાક્ષાત્.
દીધી રિદ્ધિ સિદ્ધિ અપાર, અંતે મુક્તિ મહાપદ સાર;
કીધો આજે કેમ વિલંબ, તુજ વિણ મુજને ના આલંબ.
વિષ્ણુશર્મ દ્વિજ તાર્યો એમ, જમ્યો શ્રાદ્ધમાં દેખી પ્રેમ;
જંભ દૈત્યથી ત્રાસ્યા દેવ, કીધી મ્હેર તેં ત્યાં તતખેવ.
વિસ્તારી માયા દિતિસુત, ઇન્દ્રકરે હણાવ્યો તૂર્ત;
એવી લીલા કંઇ કંઇ શર્વ, કીધી વર્ણવે કો તે સર્વ.
દોડ્યો આયુ સુતને કામ, કીધો એને તેં નિષ્કામ;
બોધ્યા યદુને પરશુરામ, સાધ્યદેવ પ્રહલાદ અકામ.
એવી તારી કૃપા અગાધ, કેમ સૂણે ના મારો સાદ;
દોડ, અંત ના દેખ અનંત, મા કર અધવચ શિશુનો અંત.
જોઇ દ્વિજસ્ત્રી કેરો સ્નેહ, થયો પુત્ર તું નિઃસંદેહ;
સ્મર્તૃગામી કલિતાર કૃપાળ, તાર્યો ધોબી છેક ગમાર.
પેટપીડથી તાર્યો વિપ્ર, બ્રાહ્મણ શેઠ ઉગાર્યો ક્ષિપ્ર ;
કરે કેમ ના મારી વ્હાર, જો આણીગમ એક જ વાર.
શુષ્ક કાષ્ઠ ને આણ્યાં પત્ર, થયો કેમ ઉદાસીન અત્ર ;
જર્જર વંધ્યા કેરાં સ્વપ્ન, કર્યા સફળ તેં સુતનાં કૃત્સ્ન.
કરી દૂર બ્રાહ્મણનો કોઢ, કીધા પૂરણ એના કોડ;
વંધ્યા ભેંસ દૂઝવી દેવ, હર્યું દારિદ્રય તેં તતખેવ.
ઝાલર ખાઇ રીધ્યો એમ, દીધો સુવર્ણઘટ સપ્રેમ;
બ્રાહ્મણસ્ત્રીનો મૃત ભરથાર, કીધો સજીવન તેં નિર્ધાર.
પિશાચ પીડા કીધી દૂર, વિપ્રપુત્ર ઊઠાડ્યો શૂર;
હરી વિપ્રમદ અત્યંજ હાથ, રક્ષ્યો ભક્ત ત્રિવિક્રમ તાત.
નિમિષમાત્રે તંતુક એક, પહોંચાડ્યો શ્રીશૈલે દેખ;
એકીસાથે આઠ સ્વરૂપ, ધરી દેવ બહુરૂપ અરૂપ.
સંતોષ્યા નિજ ભક્ત સુજાત, આપી પરચાઓ સાક્ષાત્;
યવનરાજની ટાળી પીડ, જાતપાતની તને ન ચીડ.
રામકૃષ્ણરૂપે તેં એમ, કીધી લીલાઓ કંઇ તેમ;
તાર્યાં પથ્થર ગણિકા વ્યાધ, પશુપંખી પણ તુજને સાધ.
અધમઓધારણ તારું નામ, ગાતાં સરે ન શાં શાં કામ;
આધિ વ્યાધિ ઉપાધિ સર્વ, ટળે સ્મરણમાત્રથી સર્વ.
મૂઠચોટ ના લાગે જાણ, પામે નર સ્મરણે નિર્વાણ;
ડાકણ શાકણ ભેંસાસુર, ભૂત પિશાચો જંદ અસુર.
નાસે મૂઠી દઇને તૂર્ત, દત્તધૂન સાંભળતાં મૂર્ત;
કરી ધૂપ ગાએ જે એમ “દત્તબાવની” આ સપ્રેમ.
સુધરે તેના બંને લોક, રહે ન તેને ક્યાંયે શોક;
દાસી સિદ્ધિ તેની થાય, દુઃખ દારિદ્રય તેનાં જાય.
બાવન ગુરુવારે નિત નેમ, કરે પાઠ બાવન સપ્રેમ;
યથાવકાશે નિત્ય નિયમ, તેને કદી ન દંડે યમ.
અનેક રૂપે એજ અભંગ, ભજતાં નડે ન માયા-રંગ;
સહસ્ત્ર નામે નામી એક, દત્ત દિગંબર અસંગ છેક.
વંદુ તુજને વારંવાર, વેદ શ્વાસ નારા નિર્ધાર;
થાકે વર્ણવતાં જ્યાં શેષ, કોણ રાંક હું બહુકૃતવેષ.
અનુભવ-તૃપ્તિનો ઉદ્દગાર, સૂણી હસે તે ખાશે માર;
તપસી તત્વમસિ એ દેવ, બોલો જય જય શ્રીગુરુદેવ.
Category: દેવી દેવતાઓ, દત્તાત્રેય, ઉપાસના, બાવની, ઉપાસના, સ્તુતિ
Posted
on Wednesday, October 20th, 2010
Related posts:
- શ્રી કૃષ્ણ – શ્રી રણછોડ બાવની
- શિવ – શ્રી શિવ બાવની
- માતાજી સ્તુતિ – અંબા મા તારું દર્શન દુર્લભ દર્શનથી દુઃખ ભાંગે છે
- શ્રી ગણેશ સ્તુતિ – તુલસીદાસ
- માતાજી સ્તુતિ – જે માનવી જન્મી જગે જગદંબને ભૂલી ગયો
- માતાજી સ્તુતિ – મૈ ગુલામ મૈ ગુલામ મૈ ગુલામ તેરા
- માતાજી સ્તુતિ – અંબા અભય પદ દાયિની રે
- શ્રી ગણેશ યજ્ઞ
- શ્રી મહાલક્ષ્મી અષ્ટક
- માતાજી સ્તુતિ – વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
