શ્રી સોમનાથ મહાદેવ

શ્રી સોમનાથ મહાદેવ અમદાવાદમાં ઘાટલોડિયા પોલીસ લાઈન પાસે આવેલ છે. સને ૧૯૯૪ પહેલા આ મંદિર ઘણુજ નાનું હતું અને ઝાડીઓ થી ઘેરાયેલું હતું. હાલનું પ્રવર્તમાન મંદિર શ્રી સોમનાથ મહાદેવ સેવા મંડળ, શ્રી સ્વામી ગણેશાનન્દજી અને તેમના ભારત અને બીજા દેશોમાં રહેલ ભક્તજનોના સહયોગ દ્વારા નિર્માણ પામેલ છે.

દરરોજ સવારમાં ૫:૩૦ કલાકે શિવપૂજા અને આરતીની શરૂઆત કરવામાં આવે છે અને ઘણા ભક્તજનો આમાં ભાગ લે છે. ત્યારબાદ ૭:૦૦ કલાકે શ્રી સ્વામી ગણેશાનન્દજીની અધ્યક્ષતામાં ભક્તજનો દ્વારા શ્રી સૂક્ત, શ્રી પુરુષસુક્ત અને નવગ્રહ યજ્ઞ કરવામાં આવે છે. ૮:૩૦ કલાકે શ્રી પ્રહલાદભાઈ પટેલ દ્વારા રામધુનની શરુઆત કરવામાં આવે છે. રામધુન બાદ બધાજ ભક્તજનો દ્વારા શિવસ્તુતિ, દત્તબાવની અને હનુમાન ચાલીસાનું ગાન કરવામાં આવે છે. અને ૧૧:૩૦ કલાકે અન્નક્ષેત્ર દ્વારા સાધુસંતો અને ગરીબોને ભોજન-પ્રસાદ અર્પણ કરવામાં આવે છે.

સાંજે ૪:૦૦ કલાકે બધા ભક્તજનો ભેગા મળીને પરસ્પર સત્સંગ અને ધાર્મિક વિષયો પર ચર્ચા કરે છે. ૭:૦૦ કલાકે આરતીની શરૂઆત કરવામાં આવે છે, અને આરતીનો લ્હાવો લેવા માટે ઘણા ભક્તજનો એકત્ર થાય છે. ૮:૦૦ કલાકે ૭૦-૮૦ બાળકો દ્વારા હનુમાન ચાલીસાનું ગાન અને “સાઈ રામ” ની ૧૦૮ વખત ધૂન કરવામાં આવે છે અને બાળકોમાં પ્રસાદ-નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે. શ્રી સ્વામી ગણેશાનન્દજી દ્વારા આ ઘણુજ સરસ કાર્ય શરુ કરવામાં આવેલ છે, જેથી કરીને ભવિષ્યની પેઢીમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન થાય.