«સંત મહાત્મા

નારેશ્વરના સંત શ્રી રંગ અવધૂત મહારાજ

દત્ત ભકિતનો નાદ ગૂંજતો કરનાર અને ‘પરસ્પર દેવોભવ’નું સૂત્ર આપનાર શ્રી રંગ અવધૂત મહારાજનો જન્મ ઇસ ૧૮૯૮માં કારતક સુદ-૯ને ૨૧મી નવેમ્બરે ગોધરા ખાતે પુજા પાઠ કરતા પૂજારી વિઠ્ઠલ પંત અને તેઓની પત્ની રૂકમણીના ઘરે થયો હતો. તેમનું બાળપણનું નામ પાંડુરંગ વળામે હતું.

Rang Avadhoot Maharaj Nareshwar

શ્રી રંગ અવધૂત મહારાજ

લગભગ દોઢેક વર્ષની વયે તેઓ બોલતા થયા ત્યારે ગોધરામાં રોગચાળો ફાટતાં રોજ અનેક મરતા હતા. ઘર પાસેથી નીકળેલી નનામી જોઈ પાંડુરંગે પિતાને પૂછ્‌યું આને બાળે તો દઝાય નહીં? તમને અને બાને પણ મરી જશો તો બાળશે? આ જન્મ મરણ અટકે તે માટે શું? પુછતાં પિતાએ રામનામ જપવા કહ્યું અને પાંડુરંગનો સમય મળે રામનામ જપવાનો નિયમ થઈ ગયો. પિતા તરફથી જાણે દિક્ષા મળી ગઈ. નાનાભાઈ નારાયણના જન્મ બાદ પાંચ વર્ષના પાંડુરંગને મુકીને પિતા પ્લેગમાં સપડાઈ મોટા ગામતરે ઉપડી ગયા. બાળ પાંડુરંગ આઠ વર્ષના હતા ત્યારે માતા રૂકમણી સાથે ગરૂડેશ્વર ખાતેની માણગાંવના સંત વાસુદેવાનંદ સરસ્વતીના દર્શન કરવા ગયા હતા.સ્વામિજીએ બાળ પાંડુરંગને પુછ્યુ તું કોનો? તેમણે કહ્યું કે આપનો જ. ત્યારથી ગુરૂ મહારાજના ખોળામાં મનોમન માથું મુકી ક્યારેય ઉઠાવ્યું નહીં.

ગોધરા તેલંગ હાઇસ્કુલ ખાતે શ્રી રંગ અવધુત મહારાજે અભ્યાસ કર્યો હતો. કોલેજની એક ટર્મ બાકી હતી ત્યારે ૧૯૨૧માં લોકમાન્ય તિલકનું અવસાન થયું. વડોદરા યુનિવર્સિટીના વિધાર્થીઓ જ્યુબીલીબાગમાં સભારૂપે મળ્યા હતા. ત્યારે ગાંધીજીએ વિધાર્થીઓને દેશ સેવા કરતાં કરતાં આત્મસાક્ષાત્કારનું એલાન આપ્યું હતું. પાંડુરંગે કોલેજના કાળા પાટીયે લખી દીધું કે દેશની આઝાદી કાજે કોલેજ છોડું છું. મારી પાછળ જેને આવવું હોય તે આવે. ઘેર મા તથા નાનો ભાઈ એમના ભણતરની પૂર્ણતા અને તે પછી નોકરીની આવકની રાહ જોતા આશામાં બેઠા હતા. એનો પાંડુરંગને ખ્યાલ હતો જ. ઘરની ગરીબાઈ પણ એમણે જોઈ જાણી હતી. પણ માતૃભૂમીની આઝાદીની લડત આગળ આ બધું તેમણે ગૌણ ગણ્યું અને ભવિષ્યની ઝળહળતી કારકિર્દીને લાત મારી દેશની આઝાદી ખાતર કોલેજ છોડી દીધી.

પાંડુરંગ કોલેજ છોડતા પહેલાં તેઓ કોંગ્રેસના એક અધિવેશનમાં ગયા હતા. ત્યાં વડોદરા કોલેજના વિધાર્થી પ્રતિનિધિ તરીકે પોતાને રજૂ કરતાં ગાંધીજીએ તેમને પુછ્‌યું કે કંઈ લખાણ લાવ્યા છો? તમો પ્રતિનિધિ છો એનું કંઈ પ્રમાણપત્ર શું? પાંડુરંગે જવાબ આપ્યો વનમાં કોણ સિંહનો રાજ્યાભિષેક કરે છે? પ્રશ્ન ત્યારે ઉઠે કે કોઈ કહે કે વળામે નહીં હું પ્રતિનિધિ છું. પાંડુરંગ (અવધૂત)નો આત્મવિશ્વાસ જોઈ બાપુ બોલ્યા કે આવાં સો વિધાર્થીઓ મળે તો સ્વરાજ્ય હાથવેંતમાં છે. અમદાવાદ આવી તેમણે દૈનિકો અને માસિકોમા લેખ લખવા માંડ્યા. થોડો વખત સ્વરાજ્ય આશ્રમ નામની સંસ્થામાં રહ્યા. તે વખેતે કોઈની પણ શેહમાં આવ્યા વિના ભાંગનો લોટો લખનાર ગંજેરી એ કોલમમાં તીખા તમતમતાં શબ્દમાં કટારો લખી. જનજાગૃતિનું ગજબ કામ કર્યું. ગાંધીજીને જે પહેલા તેર વિધાર્થીઓ કોલેજ છોડી અમદાવાદ આવી મળેલા તેમને સૌને ગુજરાત વિધાપીઠમાં દાખલ કર્યા હતા. આ તેર વિધાર્થીઓને વિધાપીઠે સ્નાતકની પદવી આપી હતી. પાંડુરંગને ભાષા વિશારદની પદવી મળી હતી. પાંડુરંગ હવે રાષ્ટ્રીય શાળામાં શિક્ષક તરીકેનું કાર્ય કરવા લાગ્યા. છાત્રદેવો ભવ ના સ્વરચિત સુત્રાનુંસાર વિધાર્થીઓને ચીવટતાથી ભણાવતા ભણાવતાં સંસ્કૃત ભાષાના વ્યાકરણના બે ગ્રંથ ગીર્વાણ ભાષા પ્રવેશ ભાગ-૧ અને ભાગ-૨ એજ રીતે ઉપનિષદોના સાર જેવી મુખ્ય મુખ્ય ૧૪ વાર્તાઓ પણ સાદી ભાષામાં લખી. ‘ઉપનિષદોની વાતો’ પુસ્તક બહાર પાડ્યું. જેનું હિન્દી રૂપાંતર ‘ઉપનીષદકે ચૌદહ રત્ન’ નામે પ્રસિધ્ધ થયું. પાંડુરંગ અવધુતની ખ્યાતિ સંસ્કૃતના જાણકાર તરીકે ફેલાઈ.

Rang Avadhoot Maharaj Nareshwar

શ્રી રંગ અવધૂત મહારાજ

આ બધા સમય દરમ્યાન પાંડુરંગનો ભીતરી પ્રવાહ વળી જુદો જ હતો. પિતા તરફથી મળેલા રામનામનો જપ તો રોજ ચાલુ જ હતો. સાથે સાથે ગુરૂ ચરિત્રની પોથીનું વાંચન પણ પવિત્રતાના કડક નિયમો સાથે ચાલતું જ હતું. પોતાની રીતે આસન, ધ્યાન, પ્રાણાયામ આદિ ચાલુ જ રાખ્યા હતા. એ માટે તેઓ વહેલા ઉઠી જતાં અને પોતાનું આધ્યાત્મિક કાર્ય પૂર્ણ કરી લેતા તેથી ઘણાને એ પ્રવાહની જાણ થતી નહીં. ભીતરી પ્રવાહ અધ્યાત્મને માર્ગે ચાલતા હતા. પાંડુરંગ પર્યટને જાય તો એમની નજર એકાંત સ્થાન શોધી પોતાની સાધનાને આગળ ધપાવવા બેસી જાય. નાનો ભાઈ નારાયણ નોકરીએ લાગી જતાં પાંડુરગે માતાની આજ્ઞા માગી સંસાર છોડી જંગલમાં જવા ઈચ્છ્‌યું અને ઉમેર્યું કે લગ્ન કરાવીશ તો એક વહુ તને પગે લાગશે ‌ને મારા માર્ગે જવા દઈશ તો અનેક વહુઓ તારા આશિર્વાદ માટે આવશે. આ આગાહી સાચી પડી. કારણ કે પાંડુરંગ રંગઅવધૂત થયા પછી અનેક નવા વરઘોડીયાં તેમના આશિર્વાદ માટે આવતા ત્યારે મા રૂકમાબાને પણ પગે પડતાં.

સાંઈ ખેડાના શ્રી કેશવાનંદજી મોરટક્કા (ૐ કારેશ્વર નજીક) નર્મદા કિનારેના વડોદરાના મગરસ્વામી મળ્યા તેઓએ શિનોર અને ભરૂચની વચમાં ક્યાંક એકાંત શોધી સાધના કરવા કહ્યું. બધા જ સંતોએ આશિર્વાદ આપ્યા તેને શુભ ગણી તેઓ નર્મદા કિનારે એકાંત સ્થાનની શોધ કરવા લાગ્યા. નર્મદા કિનારે આવેલા રણાપુરના ભગવદ ભક્ત હરદોવિંદદાસ સોની સાથે સંપર્ક થયો. તેઓએ પાંડુરંગ બ્રહ્મચારી એકાંત સ્થાનની શોધમાં છે તે જાણી લીલોડ -સાટર નજીકનું દહેરા તરીકે તે વખતે પ્રખ્યાત અત્યારનું નારેશ્વર ગામ બતાવ્થું. સાતેક ગામનું સ્મશાન ઉપરાંત ગીચ ઝાડીનું જંગલ, સાપ વિંછીનો પાર નહીં. આ ભયંકર સ્થાન પાંડુરંગને ગમી ગયું. ઈ.સ.૧૯૨૫ની માગસર વદ ચોથે ઠંડીમાં એક લીમડા નીચે કરાંઠાની ઝુંપડીમાં વાસ કર્યો. ત્રણ માસ પછી પાકીકુટીર બંધાતા ત્યાં રહેવા લાગ્યા. પાંડુરંગ મળસ્કે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી જાય આગલા દિવસે નર્મદાથી જે ઘડામાં પાણી લાવ્યા હોય તેનું સ્નાન કરતા. સવારનું અજવાળું થાય ત્યાં સુધી ધ્યાન ક્રિયાઓ ચાલે પછી નર્મદા સ્નાન કરવા જાય. જતા અગાઉ સગડી પર ધીમી તાપે ખીચડી ઓરી દે. કવચીત એમાં ઘઉંની બાટીની જેમ નાની ટીક્કીઓ નાંખી દે. જતાં જતાં બોલે જો હું આવું ત્યાં સુધીમાં થઈ રહેજે. નહીં તો કાચીને કાચી ખાઈ જઈશ. એક બાજુ અવધુતજી અનુષ્ઠાનમાં રત રહે. શાંતિથી પોતાનું કાર્ય કરે અને બીજી બાજુ લોકો તરેહ તરેહના તર્ક વિતર્ક કરે. અનેક વખત નર્મદા પરીક્રમા કરતા સમય જતાં લોકો દર્શને આવતા રહેતા.

Rang Avadhoot Maharaj Nareshwar

શ્રી રંગ અવધૂત મહારાજ

રંગ અવધૂત મહારાજ જયાં ધ્યાન માટે બેસતા હતા તે લીમડો આજે પણ ઘેધૂર છે. આ લીમડાની મોટા ભાગની ડાળીઓ નીચે નમેલી છે. અહીં એવું કહેવાય છે કે રંગ અવધૂતજીના તપમાં ભાગીદાર બનેલા લીમડાની ભકિતથી તે વધુ નમ્ર બની ઝૂકી ગયો છે. સંતના ચરણમાં રહેવાથી ભકિતસ્વરૂપ નમ્ર લીમડો આજે પણ યાત્રિકોને સત્સંગની પ્રેરણા આપે છે.

મહારાજ જયારે ધ્યાનમાં બેસતા ત્યારે તેમની સામે ધ્યાન ધરીને પૂર્વના સંસ્કારથી બૂચિયો નામનો કૂતરો સતત સામે બેસી રહેતો. નર્મદાજીમાં સ્નાન કરીને તે મહારાજશ્રીના ચરણો પાસે બેસી જતો. આ બૂચિયાએ કયારેય ખાવા માટે કયાંય મોઢું નાખ્યું ન હતું. તેને અલગ પાત્રમાં પીરસવામાં આવે તો જ તે ખાતો નહીં તો ઉપવાસ કરી નાખતો. તેનું આયુષ્ય પૂરું થવા આવ્યું અને ખૂબ બીમાર પડયો. તેની વેદના જોઈને મહારાજશ્રીએ તેને નશ્વર દેહ છોડી દેવા જણાવ્યું કે તુરત જે તેણે દેહ છોડી દીધો. આ બૂચિયાની પણ સમાધિ આજે મંદિર સંકુલમાં છે

નારેશ્વરમાં એમને જગ્યા બતાવનાર સ્વ.હરદોવિંદદાસ સોની અવધૂતની સેવામાં રણાપુરાથી આવ-જા કરતા. તેઓ દૂધની પુરી કે ભાખરી કોઈ સાથે ગુરૂવાર અને રવિવારે મોકલે. કવચીત તેમના ઘરમાંથી કોઈ આવે તો બે શબ્દ બોલવા જોઈએ તેમ માની બોલતા. બાકીના દિવસો મૌન રહેતું. તેથી લોકો પણ પોતાના પ્રશ્નો લઈ ગુરૂવારે કે રવિવારે આવવા લાગ્યા.

પોતે દત્ત ભજનમાં લીન રહે. દત્ત અને અવધુત શબ્દ મૂખમાંથી વારંવાર નિકળે. એ ગુરૂ દત્તાત્રેયની જન્મ જયંતિ માગસર સુદ પૂર્ણિમાના રોજ આવે છે. બે દિવસ શ્રી ગુરૂ લીલામૃતના પારાયણો થાય. પ્રભાતિયાં ગવાય. પ્રાતઃપૂજન, સાંજે દત્ત જન્મ વખતે દોહરા, કીર્તન ભજન પૂજન પછી સતત ધૂન પણ રાખવામાં આવતી. ટીટીદરાથી મહિજી ભગત મંડળી લઈને આવતા. તેઓ રાત્રે દોરડા રાસ ગુંથતા ને તેની ફરતે આખી રાત ભજનો ગાતાં. બીજે દિવસે પારણાં થતાં અને લોકો વિખેરાતા. ધીરે ધીરે આ ઉત્સવે ધાર્મિક મેળાનું સ્વરૂપ ધારણ કર્યું. માત્ર ૩૬ના ખર્ચે પ્રથમ ઉજવાયેલી દત્ત જયંતિ વર્ષો વર્ષ અનેક લોકોના સામે થવાના કારણે ખર્ચાળ બનતી ગઈ.

દત્ત જયંતિમાં એક વૈશિષ્ટ્ય એ રહ્યું હતું કે ત્યાં પ્રસાદગૃહમાં વપરાતી બધી ચીજો હાથે દત્તળાતી, ખંડાતી, શ્રમ ઉધોગનું પ્રાધાન્ય રહેતું. ગામે ગામના મંડળો આવતા. પોતાનો રહેવાનો મંડપ જાતે બાંધી લેતા અને જતી વેળા છોડતા પણ હતા. આમ નિયમબધ્ધ સંસ્કારી મેળો બની રહેતો. અન્નપૂર્ણાગૃહમાં અને અન્યત્ર વપરાતું પાણી નર્મદાએથી બધા જાતે જ ભરી લાવતા હતા. અવધૂતજી પોતે પાંચ કાવડ પાણી લાવતા. આ કાવડ હાલ સ્મૃતિ સંગ્રહાલય મંદિરમાં છે. એમની પાછળ સેંકડો માણસ ઘડા લઈ ‘દીગંબરા દીગંબરા શ્રી પાદ વલ્લભ દીગંબરા’ની ધૂન બોલતા જોડાતા.

તેથી પ્રસાદ પણ દૈવી, સાત્વિક અને અક્ષય બનતો. પ્રસાદ બધા સાથે લેતા. બધે પિરસાઈ રહે પછી ‘દત્ત અવધૂત ચિંતન શ્રી ગુરૂદેવ દત્ત’ બોલાય પછી જ જમવાનું શરૂ કરતાં. જમ્યા પછીથી પોતાની પતરાળી જાતે જ ઉઠાવી નિશ્ચિત સ્થળે નાંખી દેવાતી. આજે પણ જોકે અમુક નિયમો છે જ. આવી અનેક દત્ત જયંતિ ઉજવાઈ પછી બધા પોત પોતાને ગામ ઉજવે, હું એક ગામે આવીશ કહી અવધૂતજીએ દત્ત જયંતિનું વિકેન્દ્રીકરણ કર્યું.

અવધૂતજી નારેશ્વરમાં માતૃસ્મૃતિ શૈલનું પૂ.માજીનું સ્મારક રચી અનેક ઠેકાણે ફરતા કપડવંજ ગયા. કપડવંજ પહોંચતાં જ બોલ્યા આ આપણું છેલ્લું સ્ટેશન છે. સાચે જ ગુજરાતના પ્રવાસનું તે છેલ્લું સ્ટેશન બની રહ્યું. લાભ પાંચમ કપડવંજ કરી જયપુર ૭૧મી રંગજયંતિ ઉજવી. હરિદ્વાર ગયા. કોઈએ રસ્તામાં પુછ્‌યું હરિદ્વારથી પાછા ક્યારે આવશો? અવધૂતજીએ કહ્યું હરિના દ્વારેથી ગયેલો પાછો આવ્યો સાંભળ્યો છે? અને સાચે જ તેઓ પાછા ન આવ્યા. ૐ ૐ ૐ ત્રણવાર બોલી કારતક વદ અમાસ વિક્રમ સંવત ૨૦૨૫માં બ્રહ્મલીન થયા. તેમના પાર્થિવ દેહને વિમાન માર્ગે અમદાવાદ અને અમદાવાદથી ટ્રકમાં પધરાવી નારેશ્વર લાવવામાં આવ્યા. આજે જ્યાં શ્રીરંગ મંદિર છે ત્યાં તા.૨૧-૧૧-૧૯૬૮ના રોજ મધરાતે અગ્નિસંસ્કાર થયો.

તેઓ બ્રહ્મલીન તા.૧૯-૧૧-૬૮ના રોજ થયા હતા. યોગાનુયોગે તા. લેખે તા.૨૧મીએ તેઓનો જન્મ દિન હતો. વડોદરાથી સાંઈઠ કિ.મી. દૂર આવેલા નારેશ્વર ખાતે દર વર્ષે ગુરૂપૂર્ણિમા રંગજયંતિ કાર્તિક સુદ નોમ, મંદિર સ્થાપત્ય દિને પાટોત્સવ, માજીની પૂણ્યતિથિ, બેસતા વર્ષે અન્નકૂટ ઉત્સવો ઉજવાય છે. ખાસ દિવસો દરમ્યાન અનન્ય ભક્તો છેક વડોદરા ભરૂચમાં નોકરી કરતા હોય તોએ મળસ્કે ઉઠી ઘરેથી મંદિરે પહોંચી પ્રભાતીયાં આરતીમાં પણ હાજરી આપે છે. શિસ્તબધ્ધ આરતી બેસીને થાય છે. દૂરથી આરતી બતાવાય છે તે લેવાની રહે છે. અનેક લોકો આ ધાર્મિક ક્ષેત્રે આસ્થા સાથે આવે છે. તેમની ગુજરાતી ‘દત્ત બાવની’ આજે પણ લોકપ્રિય છે.

આજે નારેશ્વર તીર્થસ્થાન રંગ અવધૂતજી અને દત્તાત્રેય ભગવાનની ઉપાસના માટે જાણીતું છે. તીર્થસ્થાનમાં શાંતિ અને સ્વસ્છતા જોવા મળે છે. હજારો યાત્રિકોની ધમધમતું આ ધામ યોગ-ધ્યાન અને તપ માટે જ હોય તેમ આગંતુક યાત્રિકો વર્તતા હોય છે.

હું તો આરતી ઉતારું અવધૂતની રે,
અવધૂતની , રંગ અવધૂતની રે.
હું તો આરતી ઉતારું અવધૂતની રે,
નારેશ્વરના એ સંત શ્રી મહંતની રે,
નાથ બ્રહ્માંડના બ્રહ્મરૂપની રે …

નીર નર્મદાના સોહી જેનાથી રહ્યા,
જેણે કીધાં પવિત્ર એને કરતાં દયા
બલિહારી એ દિવ્ય અવધૂતની રે …

આદિ અંત ને અખંડ અવિનાશી કહ્યા,
જેને વેદોએ સત્ય ને અનંત છે લહ્યા,
જ્ઞાન પ્રેમના સ્વરૂપ પરમાત્મની રે …

રવિ દિવસે, રાતે ચંદ્ર આરતી કરે,
અગ્નિ તારા સ્તવે જેને મૂંગા સ્વરે,
વાયુ વ્યોમ ધરા જડ ચેતન પ્રાણની રે …

સર્વ સંકટ હરે, પૂર્ણ મંગલ કરે,
જેનું લેતાં શરણ સુરમુનીનર તરે,
કરું પૂજા બ્રહ્માંડના ભૂપની રે …

રાગ હૃદયે, રોમે ને અંગેઅંગમાં રે,
રક્તકણમાં શ્વાસે સદા સંગમાં રે,
કૃપા માંગું સદા એ દત્તરૂપની રે …

: જય ગુરુદેવ દત્ત :

Share

Category: સંત મહાત્મા
Posted on Monday, November 15th, 2010

Related posts:

  1. દત્ત બાવની
  2. બંગાળના મહાન નામાવતાર સંત – શ્રી શ્રી સીતારામદાસ ઓમકારનાથ ઠાકુર
  3. શ્રી ગણેશ
  4. શ્રી ગણેશ સ્તુતિ – તુલસીદાસ
  5. શ્રી ગણેશ યજ્ઞ
  6. સંત ભોજા ભગત – સંત જલારામ બાપાના ગુરુ
  7. શિવ – શ્રી શિવ પંચાક્ષર માલા
  8. શ્રી સિદ્ધ કુંજીકા સ્તોત્ર
  9. શ્રી કૃષ્ણ – શ્રી રણછોડ બાવની
  10. ચંદ્રઘંટા – નવદુર્ગાનું ત્રીજુ સ્વરૂપ

Leave a Reply

*