દાન

શ્રી સોમનાથ મહાદેવ સતત સેવાકાર્યો અને પ્રવુંતીઓથી ધબકતું રહે છે. આપ પણ આ કાર્યોમાં આપનો યથાશક્તિ તન, મન અને ધન થી સહયોગ આપી શકો છો.

  • અન્નક્ષેત્ર
  • ગૌ શાળા
  • ગરીબોને વસ્ત્રદાન
  • બાળકો માટે પ્રસાદ-નાસ્તો
  • મંદિરમાં આયોજન કરાતા યજ્ઞ અને તહેવારોની ઉજવણીના પ્રસંગો

શ્રી રાજભોગની વિગત

  દિવસ સાત દિવસ પંદર દિવસ એક માસ
શ્રી સોમનાથ મહાદેવનો ભોગ ૧૦૧ ૫૦૧ ૭૦૧ ૧૦૦૧
શ્રી માતાજીનો ભોગ ૧૦૧ ૫૦૧ ૭૦૧ ૧૦૦૧
શ્રી શનિદેવનો ભોગ ૧૦૧ ૫૦૧ ૭૦૧ ૧૦૦૧

સંસ્થાને આપવામાં આવેલ દાન ઇન્કમટેક્ષની કલમ ૮૦ જી હેઠળ કરમુક્ત છે.

દાનનો મહિમા

ભારતીય સંસ્કૃતિમાં વૈદિક કાળથી દાનનું મહાત્મ્ય રૃષિ મુનિઓએ દર્શાવેલું છે. પોતાની આજીવિકામાંથી દસમો કે વીસમો ભાગ દાન કર્મ માટે પ્રતિમાસ કે પછી પ્રતિવર્ષ કાઢીને દાન કરવાથી ધનની શુધ્ધિ થાય છે. યોગ્ય પાત્રને દાન કરવાથી અને યોગ્ય ક્ષેત્રમાં દાન પૂણ્ય કર્મ કરવાથી માનવીની ભૌતિક તથા અધ્યાત્મિક સમૃધ્ધિ વધતી જ રહે છે.

શ્રીકૃષ્ણ ભગવાને ગીતાજીના ‘શ્રદ્ધાત્રયવિભાગ યોગ’ નામના ૧૭મા અધ્યાયમાં શ્લોક નં.૨૦-૨૧-૨૨માં દાનના ત્રણ પ્રકાર બાબત વાત કરી છે. દાન આપવું એ ફરજ છે તેવી બુદ્ધિથી, બદલો મળવાની આશા વગર, યોગ્ય સમયે, યોગ્ય વ્યક્તિને જે દાન આપવામાં આવે છે તે સાત્વિક દાન કહેવાય છે, પરંતુ જે બદલો મેળવવા માટે અથવા ફળની આશાથી, કચવાતા મને દાન આપવામાં આવે છે તે રાજસ દાન કહેવાય છે. જે દાન સત્કાર વગર, તિરસ્કારથી અને અયોગ્ય દેશકાળમાં, કુપાત્રને આપવામાં આવે છે તે તામસ દાન કહેવાય છે. પોતે કરેલાં દાનની મોટી મોટી વાતો કરવી એ અવગુણ છે.

દાનનો મહિમા શાસ્ત્રોએ સારી રીતે વર્ણવ્યો છે. પૂણ્યકર્મ કરવાથી પાપકર્મ ઠેલાય છે. સ્વહિત માટે સત્યુગમાં તપ કર્મને રૃષિઓએ શ્રેષ્ઠ કર્મ કહ્યું. ત્રેતાયુગમાં યજ્ઞાોને પ્રશસ્ત શ્રેષ્ઠકર્મ માનવામાં આવ્યા. દ્વાપરમાં પૂજન કર્મ શ્રેષ્ઠ મનાયું તેવી જ રીતે કળિયુગમાં દાન કર્મ શ્રેષ્ઠ માનવામાં આવે છે. દાન વિધિ કયા કયા સ્થળે કરવી, કયા કાળે કરવી, દાન કોને કઇ વ્યક્તિને કરવું, દાનમાં શું આપવું? તે અંગેની સ્પષ્ટતા શાસ્ત્રકારોએ કરેલી છે.

જે સ્થળે પુરાણ પ્રસિધ્ધ નદીઓ હોય, રૃષિ-મહર્ષિઓએ સેવેલાં ક્ષેત્રો હોય તે સર્વ સ્થળો ધર્મના અભિવર્ધક ક્ષેત્રો કહેવાય છે. જે સ્થળ જળપ્રધાન હોય તે તીર્થ કહેવાય અને જે આશ્રમ પ્રધાન હોય તે ક્ષેત્ર કહેવાય છે. આવા તીર્થ ક્ષેત્રો આપણે ત્યાં નૈમિષારણ્ય, કુરૃક્ષેત્ર, પ્રયાગરાજ, પુલહાશ્રમ, અયોધ્યા, છપૈયા, ગયા, પંચવટી, દ્વારિકા, ગયાક્ષેત્ર આદિ અનેક છે.

તદઅનુસાર ધાર્મિક તહેવારોના દિવસો જન્માષ્ટમી, રામનવમી, સ્વામિનારાયણ જયંતિ, શીવરાત્રી, પૂનમ, અમાવાસ્યા, સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ પૂર્ણ થયાનો કાળ દાન કર્મ માટે અતિ ઉત્તમ માનવામાં આવ્યો છે. તેમાંય સોમવતી અમાવાસ્યા, રવિવારી સાતમ, મંગળવારી ચોથ, બુધવારી આઠમ, આ દિને દાન પુણ્ય કર્મ માટે શુભ માનવામાં આવે છે. બ્રહ્મમુહુર્ત આદિક કાળ શુભ સત્વગુણની વૃધ્ધિ કરનારો હોવાથી ધ્યાન માટે સર્વશ્રેષ્ઠ છે. પ્રમુખદેવોના પૂજન અર્ચન માટે શ્રેષ્ઠ સમય મનાય છે. મધ્યાન્હ પછીનો છ ઘડી કાળ પણ શુભ મનાય છે. પિતૃસંબંધી શુભકર્મ માટે શ્રેષ્ઠ છે. આવા શુભ કાળમાં દાન પુણ્ય કર્મ ફળદાયી બની રહે છે.

તીર્થક્ષેત્રો અને સ્થળોએ દાન કરવાનો મહિમા અધિક છે. લોકો તીર્થ ક્ષેત્રોમાં બ્રહ્મભોજન કરાવે છે. ગરીબોને ભોજન કરાવે છે. ગાયોને ઘાસચારો નીરે છે. અંધ અપંગને ભોજન કરાવે અને દક્ષિણા આપે છે. આવા ધાર્મિક કાર્યો શ્રેષ્ઠ છે. કળિયુગમાં પણ બ્રાહ્મણ વર્ણના કર્મનો ખ્યાલન કરતાં તેને દાન આપવાનો મહિમા પ્રચલિત છે. દાન લેવું, શમ, દમ, સદાચાર, ભણવું, ભણાવવું ભજન તથા પૂજન અર્ચન કરવું કરાવવું એ બ્રાહ્મણના ધર્મ છે.

પત્નીના ગર્ભાધાન, પુંસવન, સીમંત નામના સંસ્કારના દિવસે, પુત્રના ચૌલ સંસ્કાર અને જાતકર્મ વિધિના દિવસે, કોઇ યજ્ઞાના દિવસે, મંત્રદિક્ષા પ્રાપ્ત કર્યાના દિવસે અચૂક દાન કરવું જોઇએ. આ દાનનું મળતું ફળ શ્રેષ્ઠ છે.

ગરીબ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ કે શિષ્યવૃત્તિ આપી વધુ અભ્યાસ કરાવવો. ગરીબ દર્દીઓ માટે દવાનું અને વસ્ત્રોનું દાન આજે અનેક લોકો અનેક સંસ્થાઓ કરે છે. તેવી જ રીતે વિનામૂલ્યે અનેક સાર્વજનિક ભોજનાલયો માટે પણ અનેક લોકો દાન આપે છે. કોઇ મોટા દાનવીરો પોતાના પૂર્વજોની પૂણ્ય સ્મૃતિમાં ધર્મશાળા, સ્કૂલ કોલેજો, હોસ્પીટલો, પાણીની પરબો અને ઉતારા આદિ બંધાવી આપે છે. કોઇ વળી વિવિધ રોગોના નિવારણાર્થે મેડીકલ કેમ્પ યોજે છે. આ દાનની અતિશય પૂણ્યશાળી પ્રવૃત્તિ છે. આ જગતના નિયંતા કે જેમણે આવા અનેક લોક અને અનેક કોટિ બ્રહ્માંડોનું સર્જન કર્યું છે. તેને આપણા દાનની કોઇ આવશ્યકતા નથી. તેમણે તો આપણને માનવ ધર્મ સમજાવ્યો છે. માનવસેવા, પશુસેવાને પ્રભુસેવા તરીકે અનુસરવા શાસ્ત્રકારો બોધ આપી રહ્યા છે.